અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક આજે એક મોટી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગરથી જામનગર જઈ રહેલી જાનૈયાઓથી ભરેલી લક્ઝરી બસ અચાનક પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 40 મુસાફરોમાંથી 20 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

જાનની બસને નડ્યો અકસ્માત

મળતી વિગતો મુજબ, ભાવનગરથી એક પરિવારની જાન જામનગર જઈ રહી હતી ત્યારે લાઠીના ચાવંડ નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. બસ પલટી ખાતા જ મુસાફરોની ચીસિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સદનસીબે, બસ પલટી મારવા છતાં કોઈ ગંભીર જાનહાની થઈ નથી, જે એક ચમત્કાર સમાન ગણાઈ રહ્યો છે.

108 અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા 20 જેટલા જાનૈયાઓને તાત્કાલિક સારવાર માટે લાઠી, બાબરા અને ઢસાની સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તમામ ઈજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર છે અને કોઈ ખતરો નથી.

આ પણ વાંચો: Kheda: લક્ઝરી ગાડીમાં પશુચોરી કરતી અનોખી ગેંગનો પર્દાફાશ, કઠલાલ પોલીસે ભેંસચોર ટોળકીને દબોચી