ખેડા જિલ્લાની કઠલાલ પોલીસે પશુચોરીના એક અજીબોગરીબ અને ગંભીર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. સામાન્ય રીતે પશુચોરી માટે ટેમ્પો કે ટ્રકનો ઉપયોગ થતો હોય છે, પરંતુ અહીં તસ્કરો કાળા કલરની આલીશાન ફોર્ચ્યુનર ગાડી લઈને ભેંસ ચોરવા નીકળ્યા હતા. પોલીસે આ મામલે અમદાવાદના ત્રણ કુખ્યાત શખ્સોની ધરપકડ કરી છે.
પશુચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો
ગત 14 માર્ચના રોજ કઠલાલ તાલુકાના સરખેજ ડાભીની મુવાડી ગામેથી તસ્કરો ₹60,000ની કિંમતની એક ભેંસની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોંકાવનારી વાત એ હતી કે આ ચોરી માટે કાળા રંગની લક્ઝરી ફોર્ચ્યુનર ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પશુચોરીની આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
30 સીસીટીવી ફૂટેજ અને પોલીસની જાળ
આ કેસના મૂળ સુધી પહોંચવા માટે કઠલાલ પોલીસે અલગ-અલગ વિસ્તારોના 30થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે પોલીસે ખલાલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન ફોર્ચ્યુનર ગાડી સાથે અમદાવાદના ત્રણ રીઢા ગુનેગારો ગુલામસાબીર કુરેશી, આશીફ ઉર્ફે માઇકલ કુરેશી અને સલીમ ઉર્ફે કાલીયા શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા.
મુદ્દામાલ અને ગુનાહિત ઈતિહાસ
પોલીસે આરોપીઓ પાસેથી ફોર્ચ્યુનર ગાડી, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹4,56,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આ ત્રણેય આરોપીઓ અગાઉ પણ અનેક પશુચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે અને પ્રોફેશનલ રીતે પશુચોરીનું નેટવર્ક ચલાવે છે.
આ પણ વાંચો: Kutch: અબડાસાના નલિયામાં કમોસમી વરસાદનું આગમન, ઠંડા પવન અને વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ચિંતા