હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર સરહદી જિલ્લા કચ્છમાં જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ કચ્છના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ વગર જ વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.
ઠંડા પવન સાથે વરસાદી માહોલ
સમગ્ર અબડાસા પંથકમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. વાદળછાયા વાતાવરણની સાથે સતત ઠંડો પવન ફૂંકાતા તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. નલિયા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે રસ્તાઓ ભીના થયા હતા અને નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા.
