ઇન્ડો-મ્યાનમાર બોર્ડર પર સક્રિય ડ્રગ્સ નેટવર્કની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોટો ખુલાસો મળ્યો છે. આ નેટવર્ક માત્ર સ્મગલિંગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનું ફાઇનાન્સ અને સ્મગલિંગ લિંક અન્ય રાજ્યો સુધી ફેલાયેલી છે. ED ની તપાસમાં ગુજરાતની 'ક્રિશિવ એન્ટરપ્રાઇઝ' નામની એક ફર્મની સંડોવણી ખુલી છે. આ નેટવર્ક દ્વારા સ્યુડોએફેડ્રીન ટેબ્લેટ, કેફેઈન અને હાઇડ્રસ્ જેવા મેથેમ્ફેટામાઈન બનાવવામાં વપરાતા મટિરિયલનો સપ્લાય કરવામાં આવતો હતો. મેથેમ્ફેટામાઈન બનાવવાનું મુખ્ય મટીરીયલ મ્યાનમારથી આવતું હોવાનું પણ સામે આવ્યું છે.
નેટવર્કમાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સંડોવણી
આરોપીઓના આર્થિક વ્યવહારો પરથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે. તપાસમાં મિઝોરમના ઝોડીનથારા અને લાલરામપરી તેમજ આસામના અબુ સેફુદ્દીન જેવા શખ્સોની હવાલા ટ્રાન્જેક્શનમાં સંડોવણી જણાઈ છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, મ્યાનમારનો એક શખ્સ ભારતના GST એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કરતો હતો. ED એ આ સમગ્ર નેટવર્કના આર્થિક વ્યવહારોની તપાસના ભાગરૂપે અત્યાર સુધીમાં 21 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. આ કાર્યવાહીથી ડ્રગ્સની હેરાફેરી પાછળની આર્થિક કરોડરજ્જુ તોડવાના પ્રયાસો શરૂ કરાયા છે. ED હવે આ નેટવર્કમાં સંકળાયેલા તમામ આરોપીઓ અને તેમની મિલકતો પર વધુ તપાસ હાથ ધરશે.













