પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગેરકાયદેસર ખનીજ ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને ભુજ તાલુકાના માનકુવા નજીક આવેલા મખણા ગામની સીમમાંથી ગેરકાયદેસર લાલ પથ્થર (બેલા) નું ખનન ઝડપી પાડ્યું છે. LCB ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને બાતમી મળી હતી કે, મખણા ગામની દક્ષિણ બાજુની સીમમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. LCB એ સ્થળ પર દરોડો પાડતાં મીરજાપરના વિરેન્દ્રસિંહ દાદુભા પઢીયાર (ઉ.વ. 22) હાજર મળી આવ્યા હતા. તેમની સાથે ખાણકામ કરતા કપિલદેવ અશોકકુમાર બીંદ અને લોડર ડ્રાઇવર નુરમામદ મુસા જત પણ મળી આવ્યા હતા.
લોડર અને ચકરડીઓ જપ્ત
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ પાસે ખનન કરવા માટેની કોઈ લીઝ કે કાયદેસરના આધાર-પુરાવા નહોતા. પોલીસે સ્થળ પરથી લાલ પથ્થર કાપવાની ઇલેક્ટ્રિક મોટરવાળી લોખંડની ત્રણ ચકરડીઓ (કિંમત રૂ. 1.35 લાખ) અને એક લોડર (કિંમત રૂ. 1 લાખ) સહિત કુલ રૂપિયા 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આજુબાજુના વિસ્તારમાં મોટા પાયે લાલ પથ્થરનું ખનન થયેલું જોવા મળ્યું હતું. LCB દ્વારા આ અંગે માનકુવા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.













