લાઠી પોલીસે ગેરકાયદેસર અને અમાનવીય રીતે ઘેટાં-બકરાંની હેરાફેરીનો એક મોટો કિસ્સો ઝડપી પાડીને પશુ ક્રૂરતા અટકાવી છે. કતલખાને લઈ જવાના ઈરાદે ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા 141 જીવંત પશુઓને પોલીસે બચાવ્યા હતા. લાઠી પોલીસ સ્ટાફને પોલીસ ઇમરજન્સી નંબર 112 પર એક ટ્રકમાં ઘેટાં-બકરાંની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે લાઠી ખાતે આવેલ રાધિકા હોટલ સામેના રોડ પરથી શંકાસ્પદ અશોક લેલેન્ડ ટ્રકને ઝડપી પાડી હતી.


ડબલ ડેકર બનાવી ક્રૂરતા

ટ્રકની તલાશી લેતા પોલીસ પણ આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી. તસ્કરોએ ટ્રકના ફાલકામાં વચ્ચે પાર્ટીશન (ડબલ ડેકર) કરીને ઉપર અને નીચેના ભાગમાં નાના-મોટા ઘેટાં અને બકરાંને અમાનવીય રીતે ખીચોખીચ ભર્યા હતા. વહન દરમિયાન પશુઓ માટે પીવાના પાણી કે ઘાસચારાની કોઈ જ વ્યવસ્થા રાખવામાં આવી નહોતી, જેના કારણે 141 પશુઓ ગુંગળામણની સ્થિતિમાં હતા. પોલીસે ટ્રકચાલક સહિતના ઈસમો પાસે વહન માટેના પાસ-પરમિટ કે વેટરનરી ઓફિસરનું પ્રમાણપત્ર માંગતા તેઓ તે રજૂ કરી શક્યા ન હતા. પોલીસે ટ્રક અને પશુઓ સહિત કુલ રૂપિયા 27,05,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ત્રણ આરોપીઓની ધરપકડ

આ મામલે લાઠી પોલીસે ટ્રકના ચાલક દિનેશભાઈ મગનભાઈ વાળા (રહે. ચીતલ), હુસેનભાઈ મૂસાભાઈ કાલવા (રહે. ચિત્તલ) અને અરબાસભાઈ મહેબૂબભાઈ કાલવા (રહે. અમરેલી) ની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ચોથા આરોપી ઇમરાન ઇબ્રાહીમ કાલવાને ઝડપી પાડવા માટે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Surendranagar News : મતદારો માટે મોટા સમાચાર, શનિ-રવિ મતદાર યાદી સુધારણા કેમ્પ ચાલુ, 2002ની યાદીમાં નામ ન હોય તો રજૂ કરો પુરાવા 

  • Follow us on: