ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા માઠા સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.


હળવા વરસાદની શક્યતા 

19 એપ્રિલ આજે ખાસ કરીને મહીસાગર, દાહોદ અને અમરેલી જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત છોટા ઉદેપુર અને ભાવનગરમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.20 એપ્રિલ આવતીકાલે વરસાદનું જોર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધશે. જેમાં અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 એપ્રિલ વરસાદી સિસ્ટમ આગળ વધતા ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં માવઠું પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ રહી શકે છે.

ખેડૂતો માટે માઠા સમાચાર

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. હાલમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે અથવા કાપણીની અવસ્થામાં છે, ત્યારે અચાનક વરસાદ પડવાથી કેરી, બાજરી અને તલ જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને અમરેલી અને ભાવનગરના પંથકમાં કેરીના પાકને આ માવઠું ભારે પડી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad : ધંધુકામાં યુવકની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસ ન્યાય અપાવે તેવી સ્વજનોની માગ


  • Follow us on: