અમદાવાદની પ્રખ્યાત સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જમીન વિવાદના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (એસ્ટેટ) દ્વારા શાળાને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં જમીન પરત લેવા માટે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે અને શાળા પ્રશાસનને સાત દિવસની અંદર પોતાનો જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ TDO (તાલુકા વિકાસ અધિકારી) દ્વારા આ મામલે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ હવે કાયદાકીય અભિપ્રાય મેળવ્યા બાદ તંત્ર દ્વારા આ આખરી પગલું લેવાયું છે.
શાળા સંચાલકોમાં ફફડાટ
આ સમગ્ર વિવાદ શાળાની જમીનના ઉપયોગ અને તેની માલિકીના હક્કોને લઈને લાંબા સમયથી ચાલી રહ્યો છે. દોઢ માસ અગાઉ મળેલી નોટિસ બાદ શાળા દ્વારા સંતોષકારક ખુલાસો ન કરાતા AMC એ લીગલ ઓપિનિયન લીધો હતો અને ત્યારબાદ જ આ કડક નોટિસ જાહેર કરવામાં આવી છે. જો સાત દિવસમાં શાળા તરફથી યોગ્ય વહીવટી કે કાયદાકીય જવાબ નહીં મળે, તો કોર્પોરેશન દ્વારા જમીનનો કબજો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. આ નિર્ણયને પગલે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.













