સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ભવ્ય ફ્લાવર શોની લોકપ્રિયતાને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદીઓના ભારે ધસારા અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોની મુદતમાં વધુ 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવે આ શો 29 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે.
ફ્લાવર શોની મુદતમાં વધુ 7 દિવસનો વધારો
ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી શરૂ થયેલો આ ફ્લાવર શો અગાઉ 22 જાન્યુઆરીએ પૂર્ણ થવાનો હતો. જોકે, હજુ પણ લોકોમાં ફ્લાવર શો જોવા માટે ભારે આતુરતા જોવા મળી રહી છે. શહેરીજનો આ મનોહર નજારાનો વધુ સમય લાભ લઈ શકે તે હેતુથી તંત્રએ તેને હવે 29 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે.
મુલાકાતીઓનો નવો વિક્રમ
અમદાવાદ ફ્લાવર શોએ આ વખતે મુલાકાતીઓના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 5.25 લાખથી વધુ લોકો ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે.શનિ-રવિ અને જાહેર રજાઓના દિવસોમાં મુલાકાતીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
મનપાની તિજોરી છલકાઈ
ફ્લાવર શો માત્ર આકર્ષણનું જ નહીં પણ આવકનું પણ મોટું સાધન સાબિત થયો છે. ટિકિટ વિન્ડો અને અન્ય આવક દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને અત્યાર સુધીમાં ₹1.60 કરોડથી વધુની આવક થઈ છે. મુદત વધતા આ આવકનો આંકડો હજુ પણ ઉપર જવાની શક્યતા છે.
આ પણ વાંચો: ઓપરેશન પરાક્રમ હેઠળ ભાજપ કાર્યકર 12.34 લાખના દારૂ સાથે ઝડપાયો, ફાર્મ હાઉસ પર પોલીસની રેડ