વડોદરામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે શાસક પક્ષના જ એક કાર્યકરની ધરપકડથી રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. વડોદરા તાલુકા પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં ભાજપ કાર્યકર દીપેન ભટ્ટ સહિત ત્રણ શખ્સોને લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ફિલ્મી ઢબે પીછો કરીને પકડ્યો જથ્થો
ઘટનાની વિગત એવી છે કે, વડોદરા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે એક બલેનો ગાડીમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે આરોપીઓ ગાડી લઈને એક ફાર્મ હાઉસમાં ઘૂસી ગયા હતા. પોલીસે તુરંત જ ફાર્મ હાઉસને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ભાજપ કાર્યકર સહિત 3ની ધરપકડ
ફાર્મ હાઉસ પર પાડવામાં આવેલી આ રેડમાં પોલીસને વિદેશી દારૂની પેટીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વડોદરા ભાજપના કાર્યકર દીપેન ભટ્ટ સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી 'ઓપરેશન પરાક્રમ' હેઠળ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
17.93 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે ફાર્મ હાઉસમાંથી અને ગાડીમાંથી કુલ મળીને ₹12.34 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલી બલેનો ગાડી અને અન્ય સાધનો મળીને કુલ ₹17.93 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. સત્તાધારી પક્ષનો કાર્યકર જ આટલી મોટી માત્રામાં દારૂના હેરાફેરીમાં પકડાતા અનેક સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: ટોકરીયા ગામે ઝટકા મશીનના કરંટથી ખેડૂત અને શ્વાનનું કરુણ મોત, બે ખેડૂતો સામે ગુનો દાખલ