ગુજરાત ભાજપ દ્વારા નવા શહેર અને જિલ્લા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાત બાદ અનેક જગ્યાએ આંતરિક અસંતોષ ફાટી નીકળ્યો છે. નવસારીમાં રાજીનામાના દોર બાદ હવે અમદાવાદ શહેર ભાજપમાં પણ ભડકો થયો છે. લઘુમતી મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ રઉફ શેખ સામે પૂર્વ મહામંત્રીએ ગંભીર આક્ષેપો સાથે હાઇકમાન્ડના દ્વાર ખખડાવ્યા છે.
ભાજપ સંગઠનમાં નવી નિમણૂકો બાદ વિવાદ
લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (અને પ્રભારી નીતિન નવીન) ને ઇ-મેઇલ કરીને રઉફ શેખની નિમણૂક સામે સખત વિરોધ નોંધાવ્યો છે. આ ઇ-મેઇલમાં રઉફ શેખને પક્ષની વિચારધારાથી તદ્દન વિપરીત વ્યક્તિ ગણાવવામાં આવ્યા છે.
સંગઠનનું જ્ઞાન ન હોવાનો દાવો
અહેમદ પટેલે કરેલા આક્ષેપો મુજબ રઉફ શેખ ગુનેગાર માનસિકતા ધરાવે છે અને તેમની સામે ગંભીર ફરિયાદો છે. જેમને ભાજપના પાયાના માળખા એટલે કે 'બુથ સમિતિ' કે 'પેજ સમિતિ' વિશે પ્રાથમિક જાણકારી પણ નથી, તેમને અધ્યક્ષ પદ સોંપાતા પાયાના કાર્યકરોમાં રોષ છે.રઉફ શેખે અગાઉ સોશિયલ મીડિયા પર ભાજપની કેન્દ્રીય નેતાગીરી વિરુદ્ધ પોસ્ટ કરી છે અને કોંગ્રેસના દિવંગત નેતાઓના ગુણગાન ગાતી પોસ્ટ્સ પણ શેર કરેલી છે.ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે તેમને ગુજરાતી ભાષાનું પણ પૂરતું જ્ઞાન નથી.
શહેર પ્રમુખનું 'મૌન' અને આંતરિક કકળાટ
આ સમગ્ર વિવાદ અંગે જ્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. શહેર પ્રમુખનું આ મૌન ઘણું બધું કહી જાય છે. પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, નવી નિમણૂકોમાં પાયાના કાર્યકરોની અવગણના થતા આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બની શકે છે.
આ પણ વાંચો:Bharuch: કંપનીમાં અચાનક લાગી આગ, પાલિકા અને GNFCના ફાયર ફાઈટરોએ ભારે જહેમતે આગ બુઝાવી