વેપારીઓના જણાવ્યા મુજબ. જુદી-જુદી જગ્યાએથી અનાજની ગાડીઓ આવતી હોય છે, જેમાં અનાજ ભરેલી ગાડીઓના માલિકો દ્વારા ૨૦ ટકા સુધીનો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેના લીધે રિટેલમાં અનાજના ભાવોમાં પણ વધારો થયો છે. જો યુદ્ધ લાંબું ચાલે તો અનાજ સહિતની ચીજવસ્તુઓના ભાવોમાં વધારો આવી શકે તેવી ભીતિને લીધે છેલ્લા બે દિવસથી લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓન સંગ્રહ કરવાનું ચાલુ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને ખાંડ, ચા, ઘઉં અને ઘઉંનો લોટ, તેલ, સાબુ સહિતની વસ્તુઓની માંગ વધુ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
સમોસા-કચોરીના ભાવમાં વધારો કર્યો
ગેસ પુરવઠાની અછતના કારણે ફરસાણવાળા ગેસનો બાટલો મેળવવા માટે સવારથી જુદી-જુદી જગ્યાએ ફાફા મારી રહ્યા છે. જેના પરિણામે ફરસાણના વેપારીઓએ એક સમોસા-કચોરીમાં રૂ.૭ સુધીનો વધારો કર્યો છે. કેટલીક જગ્યાએ ચાનો સ્ટોક બનાવીને નવેસરથી ચા બનાવવાની ચોખ્ખી ના પાડી દેવાય છે. બીજી તરફ. સોશિયલ મીડિયામાં ઇલેક્ટ્રિક ગેસ સહિતની વસ્તુઓ મૂકીને લોકોને છેતરવાની ઘટનાઓ બનવાનું પણ શરૂ થયું છે.
ટિફિન સર્વિસમાં પણ વધારો
ટિફિન સર્વિસ અને ક્લાઉડ કિચન ચલાવનારઓ પણ ટિફિનના ભાવમાં રૂ.૪૦ સુધીનો વધારો કરી દીધો છે. કોટ વિસ્તારમાં દરરોજ એક હજાર લોકોને ટોકન ભાવે જમાડવામાં આવતા હતા, ત્યાં ગેસની અછતને લીધે સવારે ભોજનમાં દાળ-ભાત અથવા કઢી-ભાત અને સાજે પુલાવ પીરસવાનું શરૂ કર્યુ છે. જ્યારે બીજી તરફ અનેક ભોજન શાળાઓ બંધ કરવાનો વારો આવ્યો છે.
લોકોએ તેલના ડબ્બાનો સંગ્રહ કર્યો
શહેરીજનોમાં એવો ડર છે કે કોરોના જેવો માહોલ સર્જાશે, જેના લીધે તેલના ડબ્બાનો સ્ટોક કરવાનું ચાલુ કર્યું છે. પરિણામે તેલના ભાવોમાં છેલ્લા ચારેક દિવસમાં રૂ.૨૦૦ થી ૪૦૦ સુધીનો વધારો આવ્યો છે.
રૂ10માં બે રોટલી કરી દેવામાં આવી
જમાલપુર વિસ્તારમાં દરરોજ હજારોની સંખ્યામાં રોટલીઓ બનાવીને વેચાણ થતી હોય છે. ગેસના બાટલાની અછતને લીધે જે રૂ.૧૦માં ત્રણ રોટલી મળતી હતી, તે અત્યારે રૂ.૧૦માં ૨ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Gandhinagar News : 10 કરોડથી વધુના ડિજિટલ એરેસ્ટ કેસની તપાસ CBI કરશે, ગુજરાતના 2 અને દિલ્હીનો 1 કેસ CBIને સોંપ્યો