રાજ્યમાં વધતા સાયબર સ્લેવરી નેટવર્કના કિસ્સા વચ્ચે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (SCOE)એ વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. નેટવર્કના માસ્ટરમાઇન્ડ નીલ પુરોહિત બાદ હવે તેની સબ-એજન્ટ મનાતી વડોદરાની 30 વર્ષની પાયલ ચૌહાણને પણ પોલીસે ઝડપી પાડી છે.
પાયલે અત્યાર સુધી ત્રણ લોકોને મ્યાનમાર મોકલ્યા હતા
SCOEના SP વિવેક ભેડાના જણાવ્યા મુજબ, પાયલ ચૌહાણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે નોકરીની લલચામણી ઓફરો આપી યુવકોને ફસાવતી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે પાયલે અત્યાર સુધી ત્રણ લોકોને મ્યાનમાર મોકલ્યા હતા, જ્યાં તેમને સાયબર ઠગાઈ માટે દબાણ કરવામાં આવતું હતું.
પાકિસ્તાન અને અન્ય દેશોના પાસપોર્ટ મળ્યા
પાયલના મોબાઇલ ફોનની તપાસ દરમિયાન પાકિસ્તાન અને અન્ય દેશોના પાસપોર્ટ, નોકરી સંબંધિત ફ્રૉડ ચેટ્સ અને સટ્ટા બેટિંગ માટેનો માસ્ટર એકાઉન્ટ મળી આવ્યો છે. પોલીસે તમામ ડેટા સીલ કરીને ડિજિટલ ફોરેન્સિક તપાસ શરૂ કરી છે.
યુવાઓને “આકર્ષક સેલેરી” ના બહાને મ્યાનમાર મોકલતા
SP ભેડાએ જણાવ્યું કે નેટવર્ક અનેક રાજ્યોમાં ફેલાયેલું છે અને યુવાઓને “આકર્ષક સેલેરી” ના બહાને મ્યાનમાર સ્થિત કેમ્પોમાં લઈ જઈ સાયબર ક્રાઇમ કરાવવામાં આવે છે. પાયલ દ્વારા મોકલાયેલી ત્રણેય વ્યક્તિઓ હાલ ભારતમાં સલામત રીતે પરત આવી ગયા છે.
પાયલ ચૌહાણે ડિપ્લોમા એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો
પાયલ ચૌહાણે ડિપ્લોમા એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા કેટલાક સમયથી નીલ પુરોહિત સાથે મળીને રિક્રૂટમેન્ટની ભૂમિકા નિભાવતી હતી. પોલીસે હવે નેટવર્કના અન્ય એજન્ટો અને ફંડિંગ ચેઈન વિશે વિસ્તૃત તપાસ શરૂ કરી છે.
સાયબર ગુનાઓને અટકાવવા માટે કડક કાર્યવાહી
SCOEનું કહેવું છે કે “રાજ્યમાં વધતા સાયબર ગુનાઓને અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે” અને આવી ગેંગ્સ સામે ઝીરોટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે.
આ પણ વાંચો--- Ayodhya Ram Mandir Flag Hoisting Live : રામ મંદિરના શિખર પર લહેરાયો ધર્મ ધ્વજ, પીએમ મોદી-મોહન ભાગવતે કર્યું ધ્વજારોહણ