આજના સમયમાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ઘરની સફાઈ કરાવવી સામાન્ય બની ગઈ છે, પરંતુ આ સુવિધા ક્યારેક જોખમી પણ સાબિત થઈ શકે છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં હોમ ક્લીનિંગ સર્વિસના નામે ચોરી કરતી એક શાતીર ટોળકીનો બોપલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ચાર શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એપ્લિકેશન દ્વારા મેળવતા હતા શિકાર

મળતી માહિતી મુજબ, આ ટોળકી ઓનલાઇન એપ્લિકેશન પર પોતાની સર્વિસ લિસ્ટ કરીને ગ્રાહકો મેળવતી હતી. જ્યારે કોઈ ગ્રાહક મકાન સાફ-સફાઈ માટે બુકિંગ કરાવે, ત્યારે આ શખ્સો ટીમ બનીને ત્યાં પહોંચતા હતા. સફાઈ કામના બહાને ઘરના ખૂણેખૂણાની તપાસ કરી લેતા અને ઘરધણીની નજર ચૂકવી કિંમતી સામાન પર હાથ સાફ કરી લેતા હતા.

બોપલમાં 45 હજારની ચોરી કરી હતી

તાજેતરમાં જ બોપલ વિસ્તારના એક મકાનમાં આ ટોળકી સફાઈ માટે ગઈ હતી. કામ પૂરું કરીને ગયા બાદ ઘરમાલિકને જાણ થઈ હતી કે ઘરમાંથી ₹45,000 ની મતા ચોરાઈ છે. આ મામલે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી.

આ પણ વાંચો: Ahmedabad: બાવળા-ચાંગોદર હાઇવે પર લોડર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત, બે મિત્રોના કરુણ મોત