અમદાવાદની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા પાલડી અને ગીતામંદિરને જોડતા એક મહત્ત્વપૂર્ણ નવા મેટ્રો રૂટની યોજના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય વિસ્તારોને જોડતા આ નવા કોરિડોરની લંબાઈ આશરે 9.50 કિલોમીટર જેટલી હશે. હાલમાં આ રૂટ માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, જે આ યોજનાના અમલ માટેનું પ્રથમ પગથિયું છે.
અમદાવાદને મળશે વધુ એક લાઈન
અંદાજ મુજબ, આ 9.50 કિમીના રૂટ માટે રૂ. 2850 કરોડનો મોટો ખર્ચ કરવામાં આવશે. સત્તાવાળાઓએ આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને આગામી 4 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જે અમદાવાદના નાગરિકો માટે ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો નવો વિકલ્પ પૂરો પાડશે. આ રૂટ શહેરમાં મેટ્રો કનેક્ટિવિટીના નેટવર્કને વિસ્તૃત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
