મહેસાણામાં એક યુવકે વિદેશ જવાના સપના તૂટતાં અને પૈસા ગુમાવતાં કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ મામલે પોલીસે મૃતકને મરવા માટે મજબૂર કરનાર બે એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ, મહેસાણાના વિસનગરના ભાવિક પટેલે 18 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ભાવિકે પોર્ટુગલ જવા માટે બે એજન્ટોને રૂ. 20 લાખ જેટલી મોટી રકમ આપી હતી.
અન્ય 15 લાખ પડાવ્યાની વાત
આ કેસમાં પોલીસ દ્વારા સુનિલ પટેલ અને ભાવિક પટેલ નામના બે એજન્ટો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, એજન્ટોએ યુવકને વિદેશ મોકલ્યો નહોતો અને તેની પાસેથી લીધેલા પૈસા પણ પરત આપ્યા નહોતા. ઉલટાનું, બાકી પૈસા માટે એજન્ટો યુવકને માનસિક ત્રાસ આપીને ધમકીઓ આપતા હતા, જેનાથી કંટાળીને યુવકે આપઘાત કર્યો. પોલીસે આ કેસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધીને બંને એજન્ટોની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, વિસનગરના એક અન્ય ભાવિક પટેલે પણ 15 લાખ રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે.
