અમદાવાદના પોશ ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં સોનાના વેપારના નામે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સોનાની ખરીદી કરવાના બહાને આવેલા બે યુવકોએ વેપારીને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયાનું સોનું પડાવી લીધું હતું અને બાદમાં પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયા હતા.

સેટેલાઈટમાં સોનાના વેપારી સાથે ઠગાઈ

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી પાર્થ દલવાડી અને રાકેશ સોની નામના બે શખ્સોએ સોનાના વેપારી પાસેથી ૭૫૦ ગ્રામ સોનું ખરીદ્યું હતું. આ સોનાની બજાર કિંમત આશરે ૯૬ લાખ રૂપિયા જેટલી થાય છે. આરોપીઓએ વેપારીને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ આંગડિયા પેઢી દ્વારા પેમેન્ટની ચૂકવણી કરી દેશે. જોકે, સોનું હાથમાં આવ્યા બાદ બંને આરોપીઓએ આંગડિયા પેઢીમાં જવાનું નાટક કર્યું હતું અને ત્યાંથી ગાયબ થઈ ગયા હતા.

સેટેલાઈટ પોલીસમાં નોંધાઈ ફરિયાદ

ઘટનાની જાણ થતા જ છેતરાયેલા વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પાર્થ દલવાડી અને રાકેશ સોની વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપીઓએ વેપારી સાથે આયોજનબદ્ધ રીતે ઠગાઈ કરી હોવાનું પોલીસ માની રહી છે. હાલ સેટેલાઈટ પોલીસે બંને આરોપીઓની શોધખોળ તેજ કરી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ આંગડિયા પેઢીના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Patan: નીલમ સિનેમા પાસે જૂની અદાવતમાં ફાયરિંગ, એક યુવકને ગોળી વાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો