રાજ્યના કાયદાકીય ક્ષેત્રમાં સૌથી મહત્વની ગણાતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું આજે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યભરની કોર્ટોમાં વકીલો ભારે ઉત્સાહ સાથે પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરી રહ્યા છે. કુલ 25 બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં આ વખતે રસાકસીભર્યો જંગ જોવા મળી રહ્યો છે.
ચૂંટણીનું ગણિત અને ઉમેદવારો
આ ચૂંટણીમાં કુલ 25 બેઠકો છે, જેમાંથી 23 બેઠકો પુરૂષો માટે અને 2 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. મેદાનમાં કુલ 99 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે 20 મહિલા ઉમેદવારો પણ આ વખતે સક્રિયપણે ચૂંટણી લડી રહી છે. રાજ્યના અંદાજે 76,000 થી 87,000 વકીલો આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે, જેમાં 11,000 જેટલા નવા યુવા વકીલોનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ અને રાજકોટમાં વિશેષ ઉત્સાહ
અમદાવાદમાં બે મુખ્ય સેન્ટરો – ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત યુનિવર્સિટી ખાતે મતદાન ચાલી રહ્યું છે. યુનિવર્સિટી સેન્ટર પર 14,000 અને હાઈકોર્ટ ખાતે 4,000 વકીલો મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે CCTV અને લાઈવ રેકોર્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.રાજકોટમાં 4,400 વકીલો મતદાન કરવાના છે. રાજકોટમાંથી 5 દિગ્ગજ ઉમેદવારો મેદાને છે. અહીના વકીલો અને ઉમેદવારોમાં 'સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેંચ' મળે તે મુખ્ય એજન્ડા અને પ્રાથમિકતા તરીકે ઉભરી આવ્યો છે.
મતદાનનો સમય અને સુરક્ષા
સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. રાજ્યભરના મતદાન કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બાર કાઉન્સિલના નિરીક્ષકો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:Vadodara: માંજલપુરમાં શ્વાન રાખવા બાબતે થયેલી તકરારમાં યુવકે મહિલા પર કર્યો હુમલો, આરોપીની અટકાયત