જીવનની અનિશ્ચિતતાઓ સામે ગુજરાત સરકારે સંવેદનશીલતા સાથે સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના દ્વારા રાજ્યના લાખો પરિવારોને મજબૂત ઢાલ પૂરી પાડી છે. આ યોજના થકી રાજ્ય સરકારે સાબિત કર્યું છે કે, સંકટની ઘડીમાં નાગરિકો એકલા નથી, પરંતુ સરકાર તેમની પડખે ઊભી છે.હાલમાં રાજ્યના ૪.૧૨ કરોડથી વધુ નાગરીકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતાં વધુ લાભાર્થીઓના અકસ્માત-મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને અંદાજે રૂ. ૨૯૩ કરોડનું વીમા વળતર ચૂકવવામાં આવ્યું છે.
મૃતકોના પરિવારોને આ યોજના હેઠળ વીમા કવચ રકમની ચૂકવણી
આ યોજના અંતર્ગત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 30થી વધુ મૃતકો સહિત 4 મેડીકલના વિદ્યાર્થીઓના વારસદારોને ચુકવણું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા ખાતે હરણી દુર્ઘટના વખતે મૃત્યુ પામેલા 12 બાળકોના વારસદારોને પણ ત્વરિત ચુકવણું કરાયું હતું. તાજેતરના વર્ષોમાં મોરબી દુર્ઘટના, રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, તક્ષશીલા દુર્ઘટના વખતે પણ મૃતકોના પરિવારોને આ યોજના હેઠળ વીમા કવચ રકમની ચૂકવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વિવિધ કુદરતી હોનારતો અને અન્ય અકસ્માતોના કિસ્સામાં ઝડપી કાર્યવાહી કરીને દાવાઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવ્યું છે.













