ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત આજ રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.હવે તા.18મી જાન્યુઆરી,2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.

તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું

મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવાના પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારીહારીત શુક્લાએ જણાવ્યું કે, મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 33 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી, 50,963 BLO તથા 54,443 BLA તથા 30,833 જેટલા સ્વંય સેવકોની સક્રિય સહભાગિતા રહી છે.જેના ફળ સ્વરૂપ નિયત સમયર્યાદામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા છે.આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે.

BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો

BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે.એટલે કે, SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.જેમાં અવસાન પામેલા મતદારો- 18,07,278, ગેરહાજર મતદારો- 9,69,662, કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- 40,25,553, બે જગ્યાએ નોંધાયેલા મતદારો- 3,81,470 હતા.જયારે અન્ય- 1,89,364 હતા.

આ રીતે મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે

5.08 કરોડ ફોર્મ પૈકી ASD (ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ) યાદીમાં ધ્યાને આવેલી 10.69 લાખ વિસંગતતાઓની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. આમ, આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.આજરોજ મુસદ્દા મતદાર યાદી તમામ મતદાન કેન્દ્રો સહિત દરેક નિર્ધારીત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે.મુસદ્દા મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ http://ceo.gujarat.gov.in ઉપર પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે.જેની ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે.


આ પણ વાંચોઃ Kutch: GPS સિસ્ટમ બની ગળાનો ફાંસો, નેટવર્કની સમસ્યાથી ચાઇના ક્લે ઉદ્યોગ ઠપ્પ