મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અન્ય સેવાઓની જેમ આરોગ્યલક્ષી સેવાઓમાં પણ સુશાસનની સાથે સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. આજે વાત કરવી છે સામાન્ય પરિવારમાંથી આવતા વિરમગામના રહેવાસી ૫૩ વર્ષીય ગૃહિણી જ્યોતિબેન મુકેશભાઈ પ્રજાપતિની.વિરમગામની ગોયાફળીમાં રહેતા જ્યોતિબેનની લગભગ બે વર્ષ પહેલાં તબિયત સતત નાદુરસ્ત રહેતા, દાક્તરી તપાસ દરમિયાન લીવરની ગંભીર બીમારીની જાણ થઈ હતી. મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા હોવાથી ખાનગી હોસ્પિટલોમાં સારવારનો ઊંચો ખર્ચ તેમને પરવડે તેમ ન હતો. આ બીમારીની અનેક જગ્યાએ સારવાર કરાવવા છતાં સારું ન થતાં તેઓનો પરિવાર વધુ ચિંતાતુર બન્યો હતો.

તમારી પાસે PMJAY કાર્ડ હશે તો આ સારવાર વિનામૂલ્યે થશે

સ્થાનિક આરોગ્યકર્મીઓ પાસેથી માહિતી મેળવીને જ્યોતિબેન અમદાવાદના ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર-IKDRC ખાતે સારવાર માટે દાખલ થયા હતા. જ્યાં તેમને હોસ્પિટલના સ્ટાફ દ્વારા જાણ થઈ કે જો તમારી પાસે PMJAY કાર્ડ હશે તો આ સારવાર વિનામૂલ્યે થશે.સરકાર દ્વારા ચાલતી આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ રૂ.10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે થાય છે.આ PMJAY કાર્ડ તેમની પાસે અગાઉથી હતું જ. અહીં આયુષ્માન કાર્ડ હેઠળ લીવર ટ્રાન્સપ્લાન્ટ સંપૂર્ણપણે મફતમાં થઈ શકે છે તેની ખબર પડતાં તેઓએ ઊંડો હાશકારો અનુભવ્યો હતો.લીવર બદલવાનો ખર્ચ તો સરકાર આપશે, પરંતુ લીવરનું દાન કોણ કરશે તે પ્રશ્નને લઈને જ્યોતિબેન ફરીથી પાછા ચિંતામાં પડ્યા હતા.

રાજ્ય સરકારની યોજના PMJAY મદદે આવી

ગત તા.8 ડિસેમ્બર 2025ના રોજ બ્રેઇન ડેડ જાહેર થયેલા દાતા પાસેથી મળેલું લીવર IKDRC ખાતે જ્યોતિબેનમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.આ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના ખર્ચ માટે રાજ્ય સરકારની યોજના PMJAY મદદે આવી,સર્જરી અને ત્યારપછીની સારવારમાં અત્યાર સુધીમાં આશરે ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, જે સંપૂર્ણપણે આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવાતા પરિવારને એક રૂપિયાનો પણ ખર્ચ કરવો પડ્યો નથી.આ સફળ ટ્રાન્સપ્લાન્ટથી જ્યોતિબેનને નવું જીવન તો મળ્યું, પરંતુ તેની સાથે તેમના પરિવાર પર કોઈ આર્થિક ભારણ ન આવ્યું. આ યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી હોવાના પરિણામે પરિવારે હોસ્પિટલ અને સરકારનો પણ આભાર માન્યો હતો.


  • Follow us on: