સંદેશ ડિજીટલના માધ્યમથી દર રવિવારે પોલીસ પંચાતના માધ્યમથી અને જમતા સુધી અમે એ ખાસ વાતો પોલીસ સહિત તંત્રના ધ્યાન પર લાવતા હોય છે કે જે ચર્ચામાં હોય અથવા તો જેણે ચર્ચા ઉભી કરી હોય. પોલીસ પંચાતનો હેતુ ક્યારેય કોઈને નીચે દેખાડવાનો નથી રહ્યો પણ જે ભુલ કરીને પણ આંખમાં આંખ નાંખવા માંગતા હોય તેને અસલીયત બતાડવાનો જરૂર છે. વાંચો શું ખાસ છે આ વખતની પોલીસ પંચાતમાં..
લો બોલો ! આ PI તો ગુલ્લી મારવામાં જબરા હોંશિયાર છે
સાણંદની નજીક આવેલા એક પોલીસ મથકમાં પી.આઈની એક પારંગતતાને લઈ ચર્ચા ચાલી રહી છે. હવે આ હોશિયારી કોઈ ગુના ક્રેક કરવામાં કે બીજી કોઈ ખાસ આવડતને લઈ નથી પરંતુ આ કારીગરી છે ગુલ્લી મારવાને લઈ. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનને અલગ ફાળવવામાં આવ્યું છે અને તેમાં પીઆઈ અને અન્ય સ્ટાફની પણ બદલી આવતી હોય છે, એક પીઆઈને એવી મજા આવી ગઈ છે કે, તેઓને ઈચ્છા પડે તો જ પોલીસ સ્ટેશન આવે બાકી આરામ કરતા હોય છે. પોલીસ બેડામાં એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે, આ પીઆઈને ટ્રાફિકમાં નોકરી નથી કરવી પણ સારૂ પોલીસ સ્ટેશન મળે તેવું સ્વપ્ન જોઈ રહ્યા છે, અને આ બધામાં તેમને પોલીસ સ્ટેશન નથી મળતું, તેના કારણે તેઓ નારાજ છે અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવવામાં ગુલ્લી મારતા હોય છે, ત્યારે કલ્પ-સંજયની જોડી આ પીઆઈને સાચવી રહી છે. આ પીઆઈ પણ સિનિયર છે અને સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે, પીઆઈની સહી લેવી હોય તો પીઆઈ કયાં તો ઘરે અથવા અન્ય જગ્યાએ બોલાવીને સહી લે છે, સાહેબ મારા.. તમે પગાર નોકરી કરવાનો લો છો, નહીં કે ગુલ્લી મારવાનો, જરા આળસ ખંખેરી લો તો સારૂ છે.
31 ડિસેમ્બર પહેલા જ શહેર પોલીસે દારૂ મુદ્દે સપાટો બોલાવી નાખ્યો
આજકાલ શહેરમાં, પોલીસ વિભાગમાં અને વહિવટદારોમાં એક જ ચર્ચા ચાલે છે કે ભાઈ એકદમ એવું તો શું થયું કે ઉચ્ચસ્તરેથી આદેશ છુટ્યા અને ઘડીના છઠ્ઠાભાગમાં બુટલેગરો ગાયબ, અડ્ડાઓ પર તવાઈ આવી ગઈ અને બોટલો તો શું દેશી દારૂની એક કોથળી મળવી મુશ્કેલ થઈ ગઈ. પ્રોહિબિશનને લઈ ચાલેલી ડ્રાઈવમાં સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે નાનામાં નાનું ધ્યાનમાં રાખવાનું છે બાકી સમજી લેજો સસ્પેન્ડ થવાનું નક્કી.. પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ તમામ પોલીસમથકના પી.આઈઓ સફાળા જાગીને પોતે પહેરો ભરી રહ્યા છે કે બોસ કઈ લોચો પડ્યો તો વરદી પર ડાઘ લાગવાનો પાક્કો છે. શહેર પોલીસની જડબેસલાખ ડ્રાઈવના પગલે ઘણા ગેરકાયદે પીનારાઓના ગળા સુકાવા લાગ્ચા છે.
બોપલ પોલીસને તેમના જ વિસ્તારમા ચેલેન્જ આપતા તસ્કરો, ઠંડીમાં ઉજાગરા પાક્કા
અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવતું બોપલ પોલીસ સ્ટેશન કે, આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જાણે ચોર પેધા પડયા હોય તેવું લાગી રહ્યું છે, અને બોપલ પોલીસની જાણે બીક જ ના હોય તેવું લાગી રહ્યું છે, બોપલ પોલીસ જરા શરમ કરો કે તમારા વિસ્તારમાં ચોરી એ હદે વટી છે કે, લોકો વિસ્તાર છોડવા માટે મજબૂર થઈ ગયા છે. મણિપુર ગામમાં સંખ્યાબંધ બંગ્લોઝની સ્કીમો આવેલી છે, જ્યાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મણિપુરમાં તસ્કરો ખોડિયાર માતાના મંદિરમાં ચોરી, બોપલથી થોડા અંતરે મણિપુર આવેલું છે, જ્યાં છાશવારે ચોરીની ઘટનાઓ બની રહી છે. એક જ અઠવાડિયામાં બે વખત ખોડિયાર મંદિરમાં ચોરી કરવા માટે તસ્કર ટોળકી આવી હતી. જોગણી માતાના મંદિરમાં પણ કોઈ વધુ ચોરી થઈ નહીં હોવાથી સ્થાનિકો લોકોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોગણી માતાના મંદિરમાં પણ તસ્કરો ચોરી કરી ગયા મહાદેવના મંદિરમાં પણ ચોરી થઈ છે. મણિપુર ગામથી રેલવે ટ્રેક પસાર થાય છે, જેથી તસ્કરો ચોરી કરીને ત્યાં નાસી જાય છે. ચોરીની વધતી જતી ઘટનાઓને જોતાં સ્થાનિકો લોકો પોલીસ ચોકી મૂકવા માટે માગ પણ કરી રહ્યા છે.
ઘા ભેગા ઘસરકામાં કોંગ્રેસ પણ જોડાઈ ગઈ, કાર્યકર્તાઓને દારૂના અડ્ડાઓનું લીસ્ટ બનાવવા આદેશ
અત્યાર સુધી તમાશબીન બનીને જે ચાલે છે તે ચાલવા દોની નીતિ અનુસરી રહેલી કોંગ્રેસ અચાનક જ ઠંડીમાં મોઢુ ધોઈને જાગૃત બની ગઈ હોય એમ લાગે છે. કોંગ્રેસના ધારાસભ્યએ કાર્યકરો અને વોર્ડ પ્રમુખોને આદેશ કર્યો છે કે દારૂના અડ્ડાઓનું લીસ્ટ બનાવો. જ્યાં જુગાર, ડ્રગ્સ કે અન્ય ગેરકાયદે વેપલાઓ ચાલે છે તેમના લીસ્ટ ફોટો સાતે તૈયાર કરીને ઝોનના ડીસીપીના મોકલાવી આપો. જણાવવું રહ્યું કે આવનારા કોર્પોરેશનના ઈલેક્શનમાં આ મુદ્દાને ગજવવાની તૈયારીમાં લાગેલા કોંગ્રેસને હવે આ મુદ્દે પોલીસ સફળતા હાથ લાગવા દે છે તે જલ્દી ખબર પડી જશે.
ટ્રાફિકના 3 ડિવિઝનના કર્મચારી જો 3 શિફટમાં ગુલ્લી મારશે તો K કંપનીમાં તેમનું સ્વાગત થશે એ નક્કી છે
સુભાષ બ્રિજ બંધ થવાથી અને શહેરમાં અન્ય નવા બ્રિજની કામગીરીને લઈ ઘણા રોડને ડાયવર્ઝન અપાયું છે, તો ઘણી જગ્યાએ સવારથી સાંજ સુધી જોઈએ તો ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે, ત્યારે ટ્રાફિક વિભાગમાં આવતા L,B,F ડિવિઝનમાં ફરજ બજાવતી પોલીસને 3 શિફટમાં કામગીરી કરવાની જવાબદારી સોંપાઈ છે તેને લઈ પોલીસમાં નારાજગી વ્યાપી છે, ત્યારે સૂત્ર તરફથી એવી પણ માહિતી મળી છે કે, જે પણ કર્ચમારી પોઈન્ટ પર જોવા નહી મળે અને ગુલ્લી મારશે તો તેમનો K કંપનીમાં ઓર્ડર થઈ શકે છે તેવી ચર્ચાએ પોલીસ બેડામાં જોર પકડયું છે. ટ્રાફિકની જવાબદારી પોઈન્ટ અને શિફટ મૂજબ કરજો નહીતર તમે પણ કે કંપનીમાં જઈ શકો છો.
આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં PMJAYમાં ગેરરીતિ આચરતી 8 હોસ્પિટલને આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, દર્દીના પરિજનો દ્વારા ફરિયાદ કરાતા કાર્યવાહી કરાઈ