આફ્રિકન દેશોમાં ઈબોલા વાયરસે કેર મચાવ્યો છે. ગુજરાતમાં ઈબોલા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. આફ્રિકન ખંડના કોંગો દેશમાંથી આવેલા લોકુલા નામના દર્દીને વડોદરાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે સિવિલના અલાયદા વોર્ડમાં દાખલ કરી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. આ દર્દીને તાવ, શરદી ખાંસીની ફરિયાદ છે પરંતુ તબિયત સ્થિર છે. આ દર્દીના બ્લડ સેમ્પલ પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે જેનો રિપોર્ટ હવે આવશે.
દર્દીને શંકાસ્પદ કેસ તરીકે ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે,આ દર્દીને 26મી મેના રોજ વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો છે. ઈબોલા વાયરસનો આ શંકાસ્પદ દર્દી અંદાજે 10 દિવસ પહેલાં કોગોથી મુંબઈમાં આવ્યો હતો. જ્યાં પાંચ દિવસ માટે રોકાયા હતો એ પછી મોટે ભાગે ચાર દિવસ સિલ્વાસા અને દમણ વિસ્તારમાં રોકાયો હતો અને 22મી મે ના રોજ વડોદરા આવ્યો હતો.અંદાજે છ દિવસથી તાવની ફરિયાદ હતી. શંકાસ્પદ કેસ તરીકે ઓબ્ઝર્વેશન હેઠળ દર્દીને રખાયો છે. દર્દી એક ડોક્ટર અને અન્ય બે વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકલન સધાઈ રહ્યું છે.
