ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે માર્ચ મહિનામાં જ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે વર્ષ 2026ના માર્ચમાં ગરમીએ 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, આગામી ત્રણ દિવસ હિટવેવની અસર રહેશે. લોકોએ રાત્રે પણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં રાત્રે વોર્મ નાઈટની અસર વર્તાશે. કેન્દ્રીય હવામાન વિભાગે પણ રેડ એલર્ટની આગાહી કરી છે.

આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ

કેન્દ્રીય હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક અખિલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,ગુજરાતને હજુ ગરમીથી કોઈ રાહત મળશે નહીં. પશ્ચિમ ગુજરાત માટે આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચશે. લઘુતમ તાપમાન પણ ઊંચુ રહેશે. દિવસ અને રાત્રી બંને સમયનું તાપમાન વધશે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે બે દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીમાં રાહત મળશે.

આવતીકાલે રાજકોટ શહેરમાં ગરમીનું યલો એલર્ટ

હવામાન વિભાગે સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ,ગાંધીનગર,વડોદરા, મહેસાણા,સાબરકાંઠા, આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે. હવામાન વિભાગે રાજકોટમાં પણ ગરમીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે રાજકોટ શહેરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  

આ પણ વાંચોઃ Gujarat Weather Update : સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ એલર્ટ જાહેર, રાત્રે પણ કાળઝાળ ગરમીની અસર વર્તાશે