ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. બીજી તરફ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમા લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે રહેશે. રાજ્યમાં કચ્છના નલિયામાં સૌથી નીચુ 12.06 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની શક્યતાઓ
હવામાન વિભાગના ડિરેક્ટર અશોક દાસે કહ્યું હતું કે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની શક્યતાઓ છે. પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ અને પાટણમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ થઈ શકે છે. બીજી તરફ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો વધ્યો છે. કચ્છના નલિયામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 13.6, અમદાવાદમાં 14.8, ગાંધીનગરમાં 14, કંડલા એરપોર્ટ પર 14, વડોદરામાં 15 અને ભુજમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.













