ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં એકતરફ હાડથિજવતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ કમોસમી વરસાદની સંભાવના સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા 5 કલાકના વિશેષ વેધર બુલેટિન મુજબ, કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, જેને કારણે સૂર્યપ્રકાશ ઓછો મળતા દિવસ દરમિયાન પણ ઠંડક પ્રસરેલી રહેશે. અચાનક બદલાયેલા આ વાતાવરણને કારણે ખાસ કરીને ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભરશિયાળે આભમાં વાદળોનો ડેરો!
બીજી તરફ, રાજ્યમાં ઠંડીનું જોર પણ યથાવત છે. નલિયા 12.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. મેટ્રો શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી અને ડીસામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા અને ભુજમાં પણ પારો 15 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે અને મોડી રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. વાદળછાયા આકાશ અને પવનની ગતિમાં ફેરફારને કારણે આગામી થોડા દિવસો સુધી રાજ્યમાં ઠંડી અને માવઠાનો બેવડો પ્રભાવ જોવા મળી શકે છે.













