ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં પવન ફૂંકાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે પણ ખરી લૂ લાગે તેવી ગરમીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.


ગરમી સાથે માવઠાની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ગરમી સાથે માવઠાની શક્યતાઓ છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે.18 એપ્રિલ સુધી ઉકળાટ રહેશે. 19થી 20 એપ્રિલ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે.

એપ્રિલના અંતમાં ગરમીમાં વધારો થઈ શકે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવરજવર રહેશે. જેના કારણે રાજ્યમાં પવન ફૂંકાઈ શકે છે અને વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. 20થી 23 એપ્રિલ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ મહિનાના અંતમાં અંગદઝાડતી ગરમીનો અનુભવ થશે. એપ્રિલના અંતમાં ગરમીમાં વધારો થઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, પ્રિમોન્સૂન વરસાદથી તાપમાનમાં થોડી રાહત મળી શકે છે. મે મહિનાની શરૂઆતમાં બે ખાડીમાં ચક્રવાતીય પ્રવૃત્તિ થશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતીય પ્રવૃત્તિની શક્યતાઓ છે.


આ પણ વાંચોઃ Patan News : સિંચાઈનું પાણી નહીં મળતા 700 વીઘા જમીન સૂકી ભઠ્ઠ, નજૂપૂરા ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો


  • Follow us on: