પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે.ત્યારે રાધનપુર તાલુકાનું નજૂપૂરા ગામ અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં નજૂપૂરાના ગ્રામજનોએ એક પણ મત ન નાખવાનો મક્કમ નિર્ધાર કરી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. નજૂપૂરા ગામના ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા લાંબા સમયથી નર્મદાના સિંચાઈના પાણીની માગ કરી રહ્યા છે. ખેતી પ્રધાન આ વિસ્તારમાં પાણીના અભાવે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પાણી નહીં તો વોટ નહીંના સૂત્રો લખેલા બેનર લાગ્યા
અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે ગ્રામજનોએ પાણી નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે લોકશાહીના પર્વથી અળગા રહેવાનો આકરો નિર્ણય લીધો છે.ગામના આક્રમક વલણને જોતા વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ દોડતા થયા છે.તાજેતરમાં જ નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિનો તાગ મેળવવા નજૂપૂરા ગામની મુલાકાતે પહોંચ્યા હતા.તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ગ્રામજનોને સમજાવવા મેદાનમાં ઉતર્યા હતા.અધિકારીઓએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે, ટૂંક સમયમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવશે અને તકનીકી પ્રશ્નો હલ કરવામાં આવશે.
