ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને પવન સાથે વરસાદી માહોલ સર્જાશે.



બે વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઉત્તર પાકિસ્તાન તરફ એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પવનનું ક્ષેત્ર) સર્જાયું છે, જેની સીધી અસર જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદેશના વાતાવરણ પર જોવા મળી રહી છે. આ સિવાય, ગુજરાતની બિલકુલ નજીકથી બે મોટા વરસાદી ટ્રફ (ઓછા દબાણની રેખા) પણ પસાર થઈ રહ્યા છે. આ બધી સિસ્ટમ્સ ભેગી થવાને કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે અને ચોમાસું વધુ સક્રિય બનશે.


આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ?

આ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ પલટાશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.


જરૂરી પગલાં લેવા માટે વહીવટી તંત્રની અપીલ

રાજ્યના નાગરિકોને અને ખાસ કરીને ખેડૂતોને હવામાનની પલટાતી સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ભીષણ ગરમી અને બફારા બાદ આ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં લોકોને ગરમીથી મોટી રાહત મળશે.


આ પણ વાંચો - Rajkot News: શેમળા ગામના તળાવમાં ડૂબતા એક જ પરિવારના 3 બાળકોના મોત


  • Follow us on: