રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી એક અત્યંત કાળજું કંપાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ગોંડલના શેમળા ગામમાં આવેલી એક વાડી નજીકના ઓરિયા તળાવમાં રમતા-રમતા ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના 3 માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક બાળકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ વહાલસોયા બાળકો ગુમાવતા શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
4 બાળકો પાણીમાં ગરકાવ થયા, 3ના મોત
ઘટનાની મળતી માહિતી અનુસાર, શેમળા ગામની વાડી નજીક આવેલા ઓરિયા તળાવ પાસે બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન રમતા-રમતા અચાનક 4 બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ વાડી માલિક અને પરિવારે ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ખાનગી કાર મારફતે તેમને ગોંડલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ 3 બાળકોને મૃત જાહેર કર્યા હતા.
ચોથા બાળકની હાલત ગંભીર, રાજકોટ રિફર કરાયો
આ ગોઝારી ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ચોથા બાળક સાહિલને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, તેની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે હોસ્પિટલ પહોંચીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ મદદે દોડી
આ કપરા સમયે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમની ટીમે પીડિત શ્રમજીવી પરિવારને જરૂરી તમામ સેવાકીય અને તબીબી મદદ પૂરી પાડી હતી.
સમગ્ર શેમળા ગામ સહિત પંથકમાં અરેરાટી
ઘટનાની ગંભીરતાને પગલે યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર સહિતના સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તમામ અગ્રણીઓએ હોસ્પિટલ પહોંચી શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી હતી અને દુઃખની આ ઘડીમાં પરિવાર સાથે હોવાનું જણાવ્યું હતું. આ ગોઝારી ઘટનાથી સમગ્ર શેમળા ગામ સહિત પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો - PM મોદી 10 જૂને રચશે ઇતિહાસ, પંડિત નેહરુનો રેકોર્ડ તોડી બનશે પ્રથમ લોકશાહી નેતા!