રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ‘સનાતન સેતુ હનુમંત કથા’ શરૂ થાય તે પહેલાં જ મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટના જાણીતા સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા આ કાર્યક્રમના ફોર્મેટ સામે વિરોધ નોંધાવવા માટે ગુરુવારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસ સમક્ષ લેખિત અરજી રજૂ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રજૂઆત કરી છે. આ મામલે પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરીને પરસોતમ પીપળીયાને નિવેદન આપવા માટે બોલાવ્યા હતા.બીજી તરફ પોલીસે વિજ્ઞાન જાથાને કોઇ પણ પ્રકારના કાર્યક્રમો આયોજીત કરવાની મંજૂરી આપી નથી
કાર્યક્રમ રોકવામાં આવે
પરસોતમ પીપળીયા દ્વારા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ લેખિત અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમની પ્રથમ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે, હનુમંત કથાના નામે અંતિમ દિવસે જે 'દિવ્ય દરબાર' અને કથિત ‘પ્રેત દરબાર’ યોજાવાનો છે, તેને મંજૂરી આપવામાં ન આવે અને તે કાર્યક્રમ રોકવામાં આવે. જ્યારે બીજી અરજીમાં તેમણે પોતાના જીવનું જોખમ હોવાનું જણાવીને પોલીસ પ્રોટેક્શન ની માગણી કરી છે.













