ગુજરાતમાં વરસાદના રાઉન્ડ બાદ હવે ફરીથી કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ધોમધખતા તડકાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદના સંકેતો અપાયા છે.જેમાં આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં આકરો તાપ અને પછી કમોસમી વરસાદ પડશે.રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય બફારો વર્તાશે.રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે.

રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ગરમીના આ રાઉન્ડ બાદ 19 અને 20 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાતા ફરી એકવાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. 18 એપ્રિલ સુધી મોટાભાગના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.4 નોંધાયું હતું. જ્યારે રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે.આજે બુધવારથી ચાર દિવસ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં પારો 40 ડિગ્રીથી ઉપર જ રહેવાની શક્યતા છે.

ગરમ અને સૂકા પવનો ફૂંકાવાની આગાહી

ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે લોકોને ભારે અકળામણનો સામનો કરવો પડશે.હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ,તા.19 અને 20 એપ્રિલ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં હળવા વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં પણ માવઠાની અસર જોવા મળશે. રાજ્યમાં ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યાં છે. જેના કારણે તાપમાનમાં વધારો થયો છે. આગામી પાંચ દિવસ સુધી ગરમ અને સૂકા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Local body election: ચૂંટણી લડવા અને ફોર્મ પરત ખેંચાવવા ધમપછાડા, આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે