26 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું હૃદય ગણાતા અમદાવાદ શહેરની સ્થાપનાને 614 વર્ષ પૂર્ણ થશે. 26 ફેબ્રુઆરી, 1411 ના રોજ સુલતાન અહમદશાહે સાબરમતીના કિનારે આ શહેરનો પાયો નાખ્યો હતો. સમયની સાથે 'અહમદાબાદ' શબ્દ અપભ્રંશ થઈને 'અમદાવાદ' બન્યો, પરંતુ આ શહેરની ઓળખ માત્ર આ એક નામ પૂરતી મર્યાદિત નથી.

ઈતિહાસના વિવિધ પડાવો

અમદાવાદનો ઈતિહાસ સ્તરોમાં વહેંચાયેલો છે. પ્રાચીન સમયમાં આ વિસ્તાર આશા ભીલના નામ પરથી 'આશાવલ' તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ રાજા કર્ણદેવ પ્રથમે આ પ્રદેશ જીતીને તેને 'કર્ણાવતી' નામ આપ્યું. જૈન સમાજમાં આ શહેર આજે પણ 'રાજનગર' તરીકે આદરણીય છે. 1411 માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહમદ શાહે જ્યારે આ પ્રદેશ હસ્તગત કર્યો, ત્યારે તેનું નામ બદલીને અહમદાબાદ રાખ્યું હતું.

વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ

વર્ષ 2017 માં યુનેસ્કો (UNESCO) દ્વારા અમદાવાદને ભારતનું પ્રથમ 'વર્લ્ડ હેરિટેજ સિટી' જાહેર કરવામાં આવ્યું હતું. આ સન્માન કોઈ ચોક્કસ નામના કારણે નહીં, પરંતુ શહેરના અપ્રતિમ પ્રાચીન સ્થાપત્ય, પોળ સંસ્કૃતિ અને ઐતિહાસિક ઈમારતો જેવા કે સરખેજ રોજા, રાણીનો હજીરો અને સીદી સૈયદની જાળીના આધારે મળ્યું છે. તુર્કીના ઈસ્તંબૂલની જેમ, નામ બદલાવાથી હેરિટેજ દરજ્જા પર કોઈ અસર પડતી નથી, કારણ કે ઓળખ સ્થાપત્ય અને સંસ્કૃતિમાં છે.

રાજધાનીથી આર્થિક કેન્દ્ર સુધી

1960માં મહાગુજરાત આંદોલન બાદ જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું, ત્યારે 1970 સુધી અમદાવાદ રાજ્યની રાજધાની રહ્યું હતું. ત્યારબાદ ગાંધીનગરને રાજધાની બનાવવામાં આવી, છતાં આજે પણ ગુજરાત હાઈકોર્ટ અને રાજ્યનું મુખ્ય આર્થિક કેન્દ્ર અમદાવાદ જ છે.

ઐતિહાસિક ઉત્ક્રાંતિ અને સ્થાપત્ય

1487માં મહમદ બેગડાએ શહેરના રક્ષણ માટે 10 કિલોમીટર લાંબો કોટ ચણાવ્યો, જેમાં 12 દરવાજા અને 189 બુરજો હતા. મુગલકાળમાં આ શહેર આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કેન્દ્ર બન્યું. સમ્રાટ અકબરથી માંડીને શાહજહાં સુધીના શાસકોએ અહીં કાળ વિતાવ્યો હતો; શાહીબાગનો મોતી શાહી મહેલ આજે પણ મુગલ સ્થાપત્યની સાક્ષી પૂરે છે. ત્યારબાદ મરાઠાઓ અને છેવટે અંગ્રેજોના શાસન હેઠળ અમદાવાદે આધુનિકતાના પગરણ માંડ્યા.

આ પણ વાંચોઃ Happy Birthday Ahmedabad: "જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહેર બસાયા.", જાણો ઐતિહાસિક શહેરના સ્થાપનાની સુંદર ગાથા