26 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદ શહેર પોતાના ગૌરવશાળી અસ્તિત્વના 615 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. સાબરમતી નદીના તટ પર વસેલું આ શહેર માત્ર ગુજરાતનું આર્થિક પાટનગર નથી, પરંતુ ભારતના પાંચમા ક્રમનું સૌથી મોટું અને સાતમા ક્રમનું સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું મહાનગર છે. 1960 થી 1971 સુધી ગુજરાતના પાટનગર તરીકેની જવાબદારી નિભાવનાર આ શહેરનો ઇતિહાસ અનેક સ્થિત્યંતરોથી ભરેલો છે.

પ્રાચીન મૂળ અને નામકરણની કથા

અમદાવાદનો પ્રારંભિક ઇતિહાસ 11 મી સદીમાં મળે છે, જ્યારે આ વિસ્તાર 'આશાવલ' કે 'આશાપલ્લી' તરીકે જાણીતો હતો. અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે ભીલ રાજાને હરાવીને અહીં 'કર્ણાવતી' નગર વસાવ્યું હતું, જેનો વિસ્તાર હાલના મણિનગર પાસે હોવાનું મનાય છે. 1411 માં જ્યારે મુઝફ્ફરીદ વંશના સુલતાન અહમદશાહે સત્તા સંભાળી, ત્યારે તેમણે કર્ણાવતી પાસે પોતાની નવી રાજધાની સ્થાપવાનું નક્કી કર્યું. તેમના નામ પરથી આ શહેર 'અહમદાબાદ' તરીકે ઓળખાયું, જે કાળક્રમે અપભ્રંશ થઈને 'અમદાવાદ' બની ગયું.

બહાદુરીની દંતકથા

શહેરની સ્થાપના પાછળ એક જાણીતી લોકવાયકા છે. કહેવાય છે કે જ્યારે સુલતાન અહમદશાહ સાબરમતી કિનારે ટહેલતા હતા, ત્યારે તેમણે એક નાના સસલાંને શિકારી કૂતરાનો પીછો કરતા જોયું. આ અદભૂત બહાદુરી જોઈ સુલતાન પ્રભાવિત થયા અને તેમણે આ પવિત્ર અને શૌર્યવાન ભૂમિ પર 26 ફેબ્રુઆરી 1411 ના રોજ માણેક બુર્જ પાસે શહેરનો પાયો નાખ્યો. આ ઘટના પરથી જ પ્રખ્યાત કહેવત પડી: "જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા."

ઐતિહાસિક ઉત્ક્રાંતિ અને સ્થાપત્ય

1487માં મહમદ બેગડાએ શહેરના રક્ષણ માટે 10 કિલોમીટર લાંબો કોટ ચણાવ્યો, જેમાં 12 દરવાજા અને 189 બુરજો હતા. મુગલકાળમાં આ શહેર આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કેન્દ્ર બન્યું. સમ્રાટ અકબરથી માંડીને શાહજહાં સુધીના શાસકોએ અહીં કાળ વિતાવ્યો હતો; શાહીબાગનો મોતી શાહી મહેલ આજે પણ મુગલ સ્થાપત્યની સાક્ષી પૂરે છે. ત્યારબાદ મરાઠાઓ અને છેવટે અંગ્રેજોના શાસન હેઠળ અમદાવાદે આધુનિકતાના પગરણ માંડ્યા.

પૂર્વનું માન્ચેસ્ટર અને વર્તમાન સ્થિતિ

ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન અમદાવાદ તેના કાપડ ઉદ્યોગને કારણે વિશ્વભરમાં 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે વિખ્યાત થયું.2011 ની વસ્તી ગણતરી મુજબ શહેરની વસ્તી 56 લાખથી વધુ હતી, જે આજે વધીને ઘણી વધારે થઈ હોવાનો અંદાજ છે. ભલે આજે ગાંધીનગર પાટનગર હોય, પરંતુ અમદાવાદ આજે પણ ગુજરાતના ધબકાર સમાન છે.

આ પણ વાંચોઃ Bardoli: રુવા ગામે કુરિયર બોય બની આવેલાનો વૃદ્ધ પર ચપ્પુ વડે હુમલો, આધેડના પ્રતિકાર સામે લૂંટારુના હોશ ઉડ્યા