અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો હટાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કમળ તળાવની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને મંજૂરી (લીલીઝંડી) આપી દીધી છે.

 નરોડામાંથી ગેરકાયદે બાંધકામો હટાવાશે

નરોડાના કમળ તળાવ પાસે આવેલા ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે AMC દ્વારા સ્થાનિકોને નોટિસ ફટકારવામાં આવી હતી. AMCની આ નોટિસને રદ કરવા માટે દબાણવાળી જગ્યાના 77 જેટલા સ્થાનિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.હાઈકોર્ટે આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરી હતી અને AMC દ્વારા આપવામાં આવેલી નોટિસને યોગ્ય ઠેરવી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ બાંધકામો ગેરકાયદેસર છે.

કમળ તળાવ પાસે ગેરકાયદે બાંધકામો હટાવાશે

સૌથી અગત્યની બાબત એ છે કે, હાઈકોર્ટે અરજદાર રહેવાસીઓ પાસે તેમની માલિકીના પુરાવાના અભાવની પણ નોંધ લીધી હતી. પુરાવા રજૂ ન કરી શકવાના કારણે કોર્ટે AMCની નોટિસને રદ્દ કરવાની સ્થાનિકોની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે AMC કમળ તળાવ આસપાસના વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરશે. શહેરના વધુ એક સ્થળ પરથી દબાણો દૂર કરવાનો રસ્તો સાફ થયો છે.

આ પણ વાંચો: ગીર ગઢડામાં સિંહોનો કાયમી વસવાટ, સિંહણ નાના બચ્ચાઓ સાથે જામવાળા રોડ પર ખોરાકની શોધમાં લટાર