ગીર ગઢડા શહેર અને તેની આસપાસનો વિસ્તાર હવે સિંહોના કાયમી વસવાટનું સ્થળ બની ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર ગઢડા તાલુકા શહેરની આજુબાજુના વિસ્તારોમાં 11થી વધુ સિંહો કાયમી વસવાટ કરી રહ્યા છે. શિકારની શોધમાં આ સિંહો ઘણીવાર રહેણાંક સોસાયટીઓ અને શહેરની નજીક આવી ચડે છે, જેના કારણે સ્થાનિકોમાં કુતૂહલની સાથે ચિંતા પણ જોવા મળી રહી છે. તાજેતરમાં, જામવાળા રોડ પર એક માદા સિંહણ પોતાના બે નાના સિંહ બાળ અને બે મોટા સિંહ બાળ સાથે લટાર મારતી જોવા મળી હતી.

કચરાના ઢગલા પાસે ખોરાકની શોધ

ચિંતાજનક બાબત એ છે કે, આ સિંહો જામવાળા રોડ પર આવેલા કચરાના ઢગલા પાસે ખોરાકની શોધમાં આવી ચડે છે. અહીં કચરામાં ફેંકવામાં આવેલા મરઘીના વેસ્ટેજ (ખોરાકનો બગાડ) ખાવા માટે સિંહો આવતા હોવાનું નોંધાયું છે.વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ આ સ્થિતિ અત્યંત જોખમી છે. ખરાબ અને ગંદકીયુક્ત ખોરાક ખાવાથી સિંહો બીમારીમાં સપડાય તેવી ગંભીર શક્યતા રહેલી છે, જે સમગ્ર સિંહ પ્રજાતિ માટે ખતરો ઊભો કરી શકે છે.

સિંહોના કાયમી વસવાટનું સ્થળ બની ગયું

સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓએ વન વિભાગને આ મામલે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. વન વિભાગ દ્વારા આ જગ્યાએ પેટ્રોલિંગ વધારવું અને સિંહોને આ કચરામાં ફેંકેલા વેસ્ટેજ ખાવાથી દૂર રાખવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. વન્ય પ્રાણીઓને તેમના કુદરતી ખોરાક તરફ વાળવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી પણ આવશ્યક છે.

આ પણ વાંચો: ફ્રીજમાં બ્લાસ્ટ થતાં ઘરમાં વિકરાળ આગ, મોટી જાનહાનિ ટળી