સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલી જય અંબે સોસાયટીમાં એક ઘરમાં ભયાવહ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ લાગવાનું પ્રાથમિક કારણ ઘરમાં રહેલા ફ્રીજમાં અચાનક થયેલો બ્લાસ્ટ માનવામાં આવે છે.
થાનગઢમાં ઘરમાં ભયાવહ આગ
પ્રાપ્ત માહિતી અનુસાર, થાનગઢની જય અંબે સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં એકાએક ફ્રીજમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તરત જ ઘરમાં વિકરાળ આગ ફેલાઈ ગઈ હતી. જોતજોતામાં આગે આખા મકાનને પોતાની ઝપટમાં લઈ લીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તાર કાળા ડિબાંગ ધુમાડાઓથી ઘેરાઈ ગયો હતો. સદનસીબે, ઘરના રહીશોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ઘરની બહાર સુરક્ષિત રીતે નીકળી ગયા હતા. જેના કારણે આ ગંભીર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.










