ગુજરાતમાં હાલ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને મહત્વની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે આગામી 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.19 એપ્રિલના સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને મધ્ય-પૂર્વ ગુજરાતના મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે.20 એપ્રિલના અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી છે.21 એપ્રિલના વરસાદનો વ્યાપ વધતા અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ તેમજ સુરત અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે.
ગરમીનો પારો પણ ચઢશે
ચોંકાવનારી વાત એ છે કે વરસાદની આગાહી છતાં ગરમીમાં કોઈ મોટો ઘટાડો જોવા નહીં મળે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. જેના કારણે લોકોએ એકતરફ બફારો અને બીજી તરફ ગરમી એમ બેવડી ઋતુનો સામનો કરવો પડશે.
ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
ચૈત્ર માસમાં વારંવાર બદલાતા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આ વરસાદી માહોલ સર્જાશે તેમ જણાવ્યું છે.
આ પણ વાંચો: Bhavnagar: સહકારી બેંકમાં હોળીના દિવસે થયેલી 7 કરોડની સાયબર ચોરીનો પર્દાફાશ, 135 ખાતા હેક કરનાર 4 આરોપીઓ ઝડપાયા