અમદાવાદ શહેરમાં ગરમીએ માઝા મૂકી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા 'ઓરેન્જ એલર્ટ'ના પગલે આખું શહેર અંગ દઝાડતી ગરમીમાં શેકાઈ રહ્યું છે. પારો 44 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે સૌથી વધુ કફોડી હાલત રસ્તા પર નીકળેલા વાહનચાલકોની થઈ રહી છે.

જાહેરાત માત્ર કાગળ પર?

ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા અગાઉ બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, જેથી વાહનચાલકોને ધોમધખતા તાપમાં ઊભા ન રહેવું પડે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના વ્યસ્ત એવા નહેરુનગર, અંજલી અને પાંજરાપોળ જેવા વિસ્તારોમાં બપોરના સમયે પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ જોવા મળ્યા હતા.

વાહનચાલકોની ઉગ્ર માગ

44 ડિગ્રી તાપમાનમાં સિગ્નલ પર 60 થી 90 સેકન્ડ સુધી ઊભા રહેવું વાહનચાલકો માટે સજા સમાન બની ગયું છે. ગરમીથી પરેશાન શહેરીજનો માગ કરી રહ્યા છે કે, તંત્ર દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો અમલ જમીન સ્તર પર કરવામાં આવે અને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સિગ્નલો બંધ રાખવામાં આવે અથવા તેનો સમય ઘટાડવામાં આવે. જો આગામી દિવસોમાં ગરમી વધશે તો હીટસ્ટ્રોકના કિસ્સાઓ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Ahmedabad News: પોલીસનું 'મિશન ફિટ ખાખી', શાહીબાગ કમિશનર ઓફિસમાં આધુનિક જિમ શરૂ