રાજ્યભરમાં એક મહિનો પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરાઈ છે. તેને અંતર્ગત શહેરમાં બે દિવસમાં 107 સરકારી કર્મચારી સહિત કુલ 2830 વાહન ચાલકો હેલ્મેટ વગર પકડાયા હતા.જેમની પાસેથી પોલીસે કુલ રૂ.14.18 લાખનો દંડ વસુલ કર્યો હતો. અકસ્માતમાં હેલ્મેટ વગરના વાહન ચાલકોના સૌથી વધારે મોત થતા હોવાનું ડિજીપીને ધ્યાને આવતા તેમણે હેલ્મેટ વગર ફરી રહેલા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો.

હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકોને દંડ

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહિનાની હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકોને પકડીને તેમને દંડ ફટકારવાની કાર્યવાહી હાથધરી હતી.ખાસ કરીને સરકારી કર્મચારીઓ કે જેઓ હેલ્મેટ પહેરીને ફરતા ન હોય તેવા લોકો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જેમાં બે દિવસમાં 107 સરકારી કર્મચારીઓ કે જેઓ હેલ્મેટ વગર ફરી રહ્યા હતા તેમને પકડીને કુલ રૂ.53500નો દંડ ફટકાર્યો છે.

બહાના બનાવીને દંડથી બચવાનો પ્રયાસ

તેમજ 2723 સામાન્ય વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યુ ન હતુ તેમને પકડીને 13.65 લાખનો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે સામાન્ય નાગરીક હેલ્મેટ વગર પકડાય તો કોઈના કોઈ બહાના બનાવીને દંડથી બચવાનો પ્રયાસ કરે છે.તે જ રીતે સરકારી કર્મચારીઓ દ્વારા પણ અલગ અલગ બહાના બતાવીને દંડથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad: LPG ભાવ વધારાની ઇફેક્ટ : હોટલોમાં ઓર્ડર આપતા પહેલા ભાવ પુછી લેવાના બોર્ડ વાગ્યા