ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલના વધતા જોખમને ધ્યાને રાખી ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કડક આદેશો આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર સામે કોઈ પણ જાતની રહેમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સરકાર દ્વારા આ મામલે અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે અત્યાર સુધીમાં 59 જેટલી FIR નોંધીને 36.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉત્તરાયણ માર્ગદર્શિકા જાહેર

હાઇકોર્ટે આ આદેશના અમલીકરણ માટે વધુ મજબૂત વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી છે. કોર્ટે તમામ જિલ્લા પોલીસ વડાઓને આદેશ આપ્યો છે કે તેઓએ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગેનો ડે-ટુ-ડે (રોજિંદો) રિપોર્ટ રજૂ કરવો પડશે. આ સાથે જ ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણ માટે વિશેષ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે માત્ર દરોડા જ નહીં, પણ સંગ્રહ કરનારાઓ સામે પણ સખત પગલાં લેવાવા જોઈએ જેથી નિર્દોષ પક્ષીઓ અને નાગરિકોના જીવ બચાવી શકાય. પોલીસ તંત્રને હવે દરરોજની કામગીરીની વિગતો ઉચ્ચ સ્તરે સોંપવાની રહેશે.