કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનું જોખમ વધતું જણાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં રાપર પંથકમાં કુલ ત્રણ વખત ધરતી ધ્રૂજી ઉઠી છે. સૌથી પહેલો અને શક્તિશાળી આંચકો વહેલી સવારે 4:30 કલાકે 4.6 ની તીવ્રતાનો નોંધાયો હતો, જેના કારણે લોકો ગાઢ નિદ્રામાંથી જાગી ગયા હતા. ત્યારબાદ સવારે 9:00 વાગ્યે 2.5 ની તીવ્રતાનો આફ્ટરશોક અને ફરી પાછો 11:19 કલાકે 3.0 ની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. આ સતત ધ્રૂજારીને કારણે રાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


ધરતીના પેટાળમાં હલચલ

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ તમામ આંચકા નોર્થ વાગડ ફોલ્ટ લાઈન પર નોંધાયા છે. મહત્વની વાત એ છે કે કચ્છ જિલ્લામાં આવી અંદાજે 10 જેટલી ભૂકંપની ફોલ્ટ લાઈન સક્રિય છે, જેમાં સમયાંતરે હલચલ જોવા મળે છે. નિષ્ણાતોના મતે, મોટા આંચકા બાદ પૃથ્વીના પેટાળમાં પ્લેટો ગોઠવાતી હોવાથી હજુ પણ હળવા આફ્ટરશોક આવવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Morbi News : વાડી માટે મજૂર શોધવા ગયા અને જીવનભરની કમાણી ગુમાવી, હનીટ્રેપમાં ફસાવી 53.30 લાખની લૂંટ

  • Follow us on: