અમદાવાદના વટવા વિસ્તારમાં વાનર વટ તળાવ પાસે ચાલી રહેલા ગેરકાયદે દબાણ હટાવવાના અભિયાન દરમિયાન આજે એક પ્રશંસનીય કિસ્સો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ડિમોલિશનની કામગીરીમાં તંત્ર કડક વલણ અપનાવતું હોય છે, પરંતુ વટવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ માનવીય સંવેદના દાખવી હતી. જે વિસ્તારમાં બુલડોઝર ફરી રહ્યા હતા, ત્યાં એક રહીશના ઘરે સામાજિક પ્રસંગ હોવાનું સામે આવ્યું હતું. આ બાબતની જાણ થતા જ AMCના અધિકારીઓએ પરિસ્થિતિને સમજીને તે ચોક્કસ ઘર પાસે થોડીવાર માટે ડિમોલિશનની કામગીરી સ્થગિત કરી દીધી હતી.
ડિમોલિશન વચ્ચે પણ સંવેદના
તંત્રના આ નિર્ણયને કારણે જે તે પરિવારના સામાજિક પ્રસંગમાં કોઈ અવરોધ આવ્યો નહોતો અને તેઓ શાંતિપૂર્વક વિધિ સંપન્ન કરી શક્યા હતા. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ વિરામ માત્ર માનવતાના ધોરણે અને ચોક્કસ સમય માટે જ હતો. આ દરમિયાન અન્ય સ્થળોએ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત્ રાખવામાં આવી હતી. તંત્રના આ વલણની સ્થાનિકોમાં પણ પ્રશંસા થઈ રહી છે, કારણ કે કડક કાયદાકીય અમલીકરણની વચ્ચે પણ અધિકારીઓએ નાગરિકોની સામાજિક લાગણીઓનું સન્માન જાળવ્યું હતું.
