બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગત સાંજ આફતરૂપ સાબિત થઈ હતી. શાળામાં પીરસવામાં આવેલું ભોજન આરોગ્યા બાદ એકાએક વિદ્યાર્થીઓને ઉલટી અને પેટમાં દુખાવા જેવી ફૂડ પોઈઝનિંગની અસરો વર્તાવા લાગી હતી. સ્થિતિ ગંભીર જણાતા તાત્કાલિક અસરથી કુલ 38 વિદ્યાર્થીઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું.
તંત્ર એલર્ટ
સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, હાલમાં તમામ 38 વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર છે અને જોખમ ટળ્યું છે. ગઈકાલે રાતથી જ તેમને સઘન મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા જરૂરી લેબોરેટરી રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેનો આખરી અહેવાલ આવ્યા બાદ અને વિદ્યાર્થીઓની સ્થિતિ સંપૂર્ણ સામાન્ય જણાયા પછી જ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે. આ ઘટના બાદ શાળાના ભોજનની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે અને તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
