શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી આશુતોષ રેસીડેન્સીમાં લોહીના સંબંધો લજવાય તેવી એક ઘટના સામે આવી છે. સામાન્ય પૈસાની લેતી-દેતીના વિવાદમાં એક શખ્સે આવેશમાં આવી જઈને પોતાની જ પત્ની અને પુત્રી પર હિંસક હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર સોસાયટીમાં ચકચાર મચી ગઈ છે.

પૈસાની લેતી-દેતી બની વિવાદનું કારણ

મળતી માહિતી મુજબ, આ પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી નાણાકીય બાબતોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પતિએ પોતાની ફોઈને આપેલા પૈસાની લેતી-દેતી બાબતે ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ હતી કે ઉશ્કેરાયેલા પતિએ પત્ની અને પોતાની પુત્રી પર હુમલો કરી દીધો હતો. પતિએ કરેલા આ હુમલામાં પત્ની અને પુત્રી બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પત્ની અને પુત્રીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં બંનેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Rajkot: સોની વેપારીની બિહારમાં 25 કરોડની લૂંટ, કસ્ટમ અધિકારીઓના સ્વાંગમાં સોનું લૂંટ્યું!