અમદાવાદ: શહેરમાં નશાના કારોબારીઓ સામે અમદાવાદ ગ્રામ્ય એસઓજી (SOG) એ લાલ આંખ કરી છે. બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ પાસેથી હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા એક કુખ્યાત સપ્લાયર સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ડ્રગ્સની ડિલિવરી લેવા માટે એક સગીર આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ ૨૫૮.૭૬ ગ્રામ હાઈબ્રિડ ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત આશરે ૯ લાખ રૂપિયા હોવાનું મનાય છે.
શાસ્ત્રીનગરના રહેવાસી જય દેસાઈની ધરપકડ
એસઓજીની ટીમે બાતમીના આધારે રેડ પાડીને શાસ્ત્રીનગરના રહેવાસી જય દેસાઈ અને ડ્રગ્સ લેવા આવેલા શિવમ ભદોરિયાની ધરપકડ કરી છે. તેમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે પકડાયેલ આરોપી જય દેસાઈ અગાઉ વર્ષ ૨૦૨૧માં એટીએસ (ATS) અને ૨૦૨૩માં નવરંગપુરા પોલીસના હાથે ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ તેણે ફરીથી ઊંચા નફાની લાલચમાં આ કાળો કારોબાર શરૂ કર્યો હતો.
