ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતોને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સખત શબ્દોમાં નકારી કાઢી છે. અમદાવાદ સહિત રાજ્યભરના પેટ્રોલ પંપો પર ઉમટેલી ભીડ અને સર્જાયેલા પેનિકને જોતા ડે.સીએમએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને કોઈ પણ નાગરિકે અફવાઓમાં આવવાની જરૂર નથી.

સ્ટોક સપ્લાય માટે રાજ્ય સરકારની પૂરતી તૈયારી

હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયામાં ઈંધણને લઈને અનેક પાયાવિહોણી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ વાસ્તવમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. સ્ટોક સપ્લાય માટે રાજ્ય સરકારની પૂરતી તૈયારી છે અને પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર ગંભીરતાપૂર્વક નજર રાખી રહી છે."

પેનિક (ગભરાટ) થવાની જરૂર નથી

તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારે પેનિક (ગભરાટ) થવાની જરૂર નથી અને બિનજરૂરી રીતે પંપો પર ભીડ ન કરવી.

અફવા ફેલાવનારા અને કાળાબજારી કરનારા તત્વોને કડક ચેતવણી

વધુમાં, મંત્રીએ અફવા ફેલાવનારા અને કાળાબજારી કરનારા તત્વોને કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, જે લોકો ખોટી માહિતી ફેલાવીને જનતામાં ભય પેદા કરશે અથવા આ પરિસ્થિતિનો લાભ લઈને કાળાબજારી કરવાનો પ્રયાસ કરશે, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. જો સપ્લાય ચેઈનમાં ક્યાંય પણ ખામી જણાશે, તો સરકાર તાત્કાલિક જાણકારી મેળવીને તેનો ઉકેલ લાવશે. તંત્રને કાળાબજારીઓ સામે કડક પગલાં ભરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.



આ પણ વાંચો---     Ahmedabadમાં પેટ્રોલ-ડીઝલ માટે હાહાકાર, સ્ટોક પૂરો થઈ જવાની આશંકાને પગલે પેટ્રોલ પંપો પર લાગી લાંબી કતારો