અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર રાત્રે એક બેફામ બનેલી લક્ઝરી કારે ભારે આતંક મચાવ્યો હતો. દારૂના નશામાં ધૂત હોવાનું મનાતા એક કારચાલકે એક પછી એક અંદાજે 9 જેટલા વાહનોને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


નશામાં ધૂત ચાલકનો આતંક

પ્રાપ્ત વિગતો અનુસાર, નિતિશ શાહ નામનો કારચાલક પોતાની ગાડી લઈને શીલજ-રાંચરડા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ચાલક દારૂના નશામાં હોવાથી કાર પરનું સંતુલન ગુમાવી બેઠો હતો. તેણે રસ્તામાં ઉભેલા અને પસાર થતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર મળીને કુલ 9 વાહનોને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતમાં વાહનોને મોટું નુકસાન પહોંચ્યું

અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ કારચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપતા પહેલા રોષ પણ વ્યક્ત કર્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે.ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કારચાલક નિતિશ શાહની અટકાયત કરી છે અને તેની મેડિકલ તપાસ માટે તજવીજ હાથ ધરી છે. 

આ પણ વાંચો: અસામાજિક પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સ, પોરબંદર પોલીસે રીઢા તસ્કર સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું


  • Follow us on: