પોરબંદર જિલ્લામાં દારૂના ગેરકાયદેસર કારોબારમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કુતિયાણાના દેવડા ગામના શખ્સ નીલેષ ઉર્ફે ભુપત મુશારને પોરબંદર પોલીસે PASA (પાસા) હેઠળ અટકાયત કરી અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દીધો છે.
અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી
પોરબંદર જિલ્લાના રાણાવાવ વિસ્તારમાંથી પોલીસે થોડા સમય અગાઉ મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 3840 સીલપેક બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹6,82,800 આંકવામાં આવી હતી. આ દારૂ બહારથી મંગાવીને જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેચવાનું નેટવર્ક નીલેષ મુશાર ચલાવતો હોવાનું ખુલ્યું હતું.
પોલીસની કડક કાર્યવાહી
આરોપીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ સૂચના આપી હતી. જેના આધારે LCBના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાએ આરોપી વિરુદ્ધ પાસા (Prevention of Anti-Social Activities Act) હેઠળની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટે આપ્યો જેલનો આદેશ
આરોપી સામેના પુરાવા અને તેની સતત વધી રહેલી ગેરકાનૂની પ્રવૃત્તિઓને ધ્યાને લઈ, પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા હેઠળ અટકાયતનો હુકમ પસાર કર્યો હતો. વોરંટની બજવણી થતા જ પોલીસ ટીમે નીલેષ મુશારને ઝડપી લઈ અમદાવાદ જેલ ભેગો કર્યો છે.
આ પણ વાંચો: Valsad: 22 લાખના દારૂ કેસમાં ફરાર બુટલેગર સરપંચ રવિન્દ્ર પટેલની ધરપકડ