વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કાયદો અને વ્યવસ્થાના અમલીકરણમાં મોટી સફળતા મેળવી છે. છેલ્લા એક મહિનાથી પોલીસને હંફાવતા અને રાજકીય વગ ધરાવતા પંચલાઈ ગામના સરપંચ રવિન્દ્ર ઉર્ફે રવિ પટેલની ધરપકડ કરી જેલભેગા કરવામાં આવ્યા છે. સરપંચ પર ₹21.96 લાખના દારૂના હેરાફેરીના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનો ગંભીર આરોપ છે.
દારૂના હેરાફેરીના નેટવર્કનો મુખ્ય સૂત્રધારની ધરપકડ
આ કેસની શરૂઆત 18મી ડિસેમ્બર 2025 ના રોજ થઈ હતી, જ્યારે ડુંગરી પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેઈડ કરી હતી. આ રેઈડ દરમિયાન પોલીસે 5.96 લાખનો વિદેશી દારૂ (કુલ 1,944 બોટલ) જપ્ત કર્યો હતો. દારૂની હેરાફેરીમાં વપરાતી બ્રેજા કાર, મારુતિ ઈકો અને બે મોપેડ સહિત ₹16 લાખના વાહનો કબજે કર્યા હતા. કુલ મુદ્દામાલની કિંમત ₹21,96,160 આંકવામાં આવી હતી.
સરપંચ નીકળ્યા દારૂના કારોબારના માસ્ટરમાઈન્ડ
રેઈડ સમયે આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, વલસાડ LCB ની ઊંડાણપૂર્વકની તપાસ અને ટેકનિકલ સર્વેલન્સમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પંચલાઈ ગામના સરપંચ રવિન્દ્ર પટેલ જ આ ગેરકાયદે દારૂના સંગ્રહ અને વહનની પ્રવૃત્તિઓનું સંચાલન કરતા હોવાનું પુરવાર થયું હતું.
રાજકીય દબાણ છતાં LCB ની કડક કાર્યવાહી
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, જવાબદાર પદ પર હોવા છતાં દારૂના ધંધામાં સંડોવાયેલા સરપંચને બચાવવા માટે કેટલાક રાજકીય નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પોલીસની નોટિસોનો અનાદર કરી ફરાર રહેલા સરપંચને આખરે LCB એ દબોચી લીધા હતા. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે તેમને સબ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:ધ્રોલ જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો, CCTV પર કપડું ઢાંકનાર દાહોદના 3 તસ્કરો 28 લાખના માલ સાથે ઝડપાયા